દેવભૂમિ દ્વારકા જિલ્લાની 'A' ગ્રેડ ગણાતી જામ ખંભાળિયા નગરપાલિકા ફરી એકવાર આર્થિક સંકટ અને વિવાદોના ઘેરામાં આવી છે. જામ ખંભાળિયા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હોય તેવી સ્થિતિ વચ્ચે PGVCLનું લાખોનું વીજ બીલ બાકી હોવાનું સામે આવ્યું છે. પાલિકા પર હાલ રૂપિયા 1.74 કરોડથી વધુનું વીજ બીલ ચડત થઈ ગયું છે, જેને પગલે શહેરમાં પાયાની સુવિધાઓ ખોરવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે.

ત્રણ નોટિસ છતાં તંત્ર નિંભર

મળતી માહિતી મુજબ, ખંભાળિયા નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ શાખાનું વીજ બીલ લાંબા સમયથી ચૂકવવામાં આવ્યું નથી. આ મામલે PGVCL દ્વારા પાલિકાને એક-બે નહીં પણ ત્રણ-ત્રણ નોટિસ પાઠવી બીલ ભરપાઈ કરવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા બીલની રકમ જમા ન કરાવતા હવે વીજ કંપની કડક કાર્યવાહીના મૂડમાં છે.


https://x.com/sandeshnews/status/2012828826955596231


અંધારપટ અને પાણીની સમસ્યાની દહેશત

જો આગામી દિવસોમાં આ બાકી લેણાંની ચૂકવણી કરવામાં નહીં આવે, તો PGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસના જોડાણો કાપી નાખવામાં આવી શકે છે. જો આવું થશે તો સમગ્ર જામ ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે અંધારપટ છવાઈ જશે અને પીવાના પાણીના સપ્લાયને પણ માઠી અસર પહોંચશે. હંમેશા ચર્ચામાં રહેતી આ નગરપાલિકાની દેવાદાર સ્થિતિને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Dwarka News : જામખંભાળીયા હાઈવે પર કાળમુખી કારનો કહેર, હિટ એન્ડ રનમાં ફુવા-ભત્રીજાના કરુણ મોત