દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાના બહુ ચર્ચિત વસઇ ગામમાં એરપોર્ટ માટેનો પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે.પ્રાંત અધિકારી સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેવન્યુ વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને સર્વે કર્યો હતો. આજે એરપોર્ટના વિરોધમાં 2 ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીની આવેદન પત્ર પાઠવ્યું હતું.વસઈ મેવાસાની ફળદ્રુપ જમીન બચાવવા હાઈકોર્ટ સુધી લડતની ચીમકી ઉચ્ચારાઈ હતી.


આજે બંને ગામના સેંકડો ખેડૂતો એકઠા થયા હતા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂચિત એરપોર્ટ પ્રોજેક્ટના લોકેશનને લઈને વસઈ અને મેવાસા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પોતાની પૂર્વજોની ફળદ્રુપ જમીન ગુમાવવાની ભીતિ વચ્ચે આજે બંને ગામના સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી એરપોર્ટ અન્યત્ર ખસેડવા ઉગ્ર માંગ કરી હતી.ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જે જમીન પર એરપોર્ટનું આયોજન થઈ રહ્યું છે તે ખેતી માટે ખૂબ જ ઉત્તમ છે.જો અહીં એરપોર્ટ બનશે તો ખેડૂતો ભૂમિહીન થઈ જશે અને તેમની આજીવિકા છીનવાઈ જશે.

ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવશે

ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર ફળદ્રુપ જમીન છોડીને કોઈ બિનઉપજાઉ કે પડતર જમીન પર એરપોર્ટનું નિર્માણ કરે. સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે વિકાસના વિરોધી નથી પરંતુ ખેડૂતોનો વિનાશ કરીને થતો વિકાસ અમને મંજૂર નથી. ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે,તો તેઓ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે.

આ પણ વાંચોઃ Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ


  • Follow us on: