'સ્વચ્છ ભારત અભિયાન'ની વાતો વચ્ચે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવાની જેની જવાબદારી છે, તે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સેનિટેશન વિભાગ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
બાયપાસ રોડ બન્યો નર્ક
રાજકોટ બાયપાસ રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં સુરેન્દ્રનગર મનપાના જેટિંગ મશીનો દ્વારા આખા ગામમાંથી એકત્ર કરેલ ભૂગર્ભ ગટરનું અત્યંત દૂષિત પાણી અને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ વગર આ રીતે જાહેરમાં ગંદકીનો નિકાલ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા જ અહીં નિયમિતપણે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે.













