યાત્રાધામ દ્વારકામાં જગત પ્રખ્યાત ભગવાન દ્વારકાધીશના મનમોહક દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહીવટી તંત્ર અને મંદિરના પૂજારી પરિવાર દ્વારા આગામી ત્રણ દિવસ માટે ભગવાન દ્વારકાધીશના દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 13, 14 અને 15 જૂન દરમિયાન ભગવાનના કપાટ સાંજે નિયત સમય કરતાં એક કલાક વહેલા ખોલવામાં આવશે.
ભારે ભીડને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
હાલ પવિત્ર પુરૂષોત્તમ માસ (અધિક માસ) ચાલી રહ્યો છે. આ સાથે સાથે રજાઓના દિવસો હોવાના કારણે દ્વારકા નગરીમાં ભગવાન કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. યાત્રિકોની આ અભૂતપૂર્વ ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ ખૂબ જ સરળતાથી અને શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકે.













