સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. જામ ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપના ચારેય ઉમેદવારોની આખી પેનલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિપક્ષી ઉમેદવારોના ફોર્મ પરત

વોર્ડ નંબર 6 માં ભાજપના દબદબા સામે વિરોધ પક્ષોએ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ જણાય છે. કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોએ અંતિમ દિવસે પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. પરિણામે, મેદાનમાં માત્ર ભાજપના જ 4 ઉમેદવારો બાકી રહેતા, ચૂંટણી અધિકારી દ્વારા તેમને વિધિવત રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

મતદાન પહેલા જ ભાજપ મજબૂત

જામ ખંભાળિયામાં મતદાનના દિવસે ઈવીએમ પર મહોર વાગે તે પહેલા જ ભાજપે પોતાની પક્કડ મજબૂત કરી લીધી છે. એક આખી પેનલ બિનહરીફ થવી એ ભાજપના સંગઠનની મોટી જીત માનવામાં આવી રહી છે. વિજેતા જાહેર થતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ ઘટનાને પગલે અન્ય વોર્ડના ચૂંટણી જંગમાં પણ ભાજપનો ઉત્સાહ બેવડાયો છે.


આ પણ વાંચો - Local Body Elections 2026 : અમદાવાદની રામોલ બેઠકના ભાજપ ઉમેદવાર સામે કોંગ્રેસ ઉમેદવાર બીના મોદીનો આરોપ, મૌલિક પટેલ 25 લાખ આપવા ઓફર કરે છે