યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ નિમિત્તે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશના પરમ પ્રિય એવા ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર દ્વારકા 'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.


ગોમતી સ્નાન અને મનોહર દર્શન

આજ વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના મનોહર દર્શન કરવા માટે ભક્તોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે 56 સીડી (સ્વર્ગ દ્વાર) ચઢીને જગતગુરુના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર નીકળ્યા હતા.

ફુલડોલ ઉત્સવની ભવ્યતા

ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને અબીલ-ગુલાલ અને ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. મંદિર પરિસરમાં અને દ્વારકાના ચોકમાં ભક્તોએ ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.

યાત્રીઓનો ભારે ધસારો

આ પૂનમ નિમિત્તે હજારો પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભક્તો માટે ઠેર-ઠેર પ્રસાદ અને પાણીની પરબો પણ ઉભી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat: મહિલા તબીબ સાથે 58 લાખની મોટી ઠગાઈ, આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણના નામે ખેલ ખેલાયો

  • Follow us on: