પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારે એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પવિત્ર ગોમતી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ યુવકે ગઈકાલે મોડી રાત્રે નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.


ગોમતી નદીના કિનારે મૃતદેહ તરતો જોવા મળ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ગોમતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે સંગમ નારાયણ ઘાટની સામેના કિનારે એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. દ્વારકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો.

પ્રેમ સંબંધનું કારણ?

સ્થાનિક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ યુવકે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા અથવા તે બાબતના મનદુઃખને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે આ કારણની પુષ્ટિ કરવામાં આવી નથી. મૃતક યુવકની ઓળખ વિધિવત રીતે સ્થાપિત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

દ્વારકા પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. દ્વારકા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક ક્યાંનો રહેવાસી હતો અને કયા સંજોગોમાં તેણે ગોમતી નદી સુધી પહોંચી આત્મહત્યા કરી, તે દિશામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે


  • Follow us on: