દ્વારકા જિલ્લાના વસઈ ગામમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ પ્રોજેક્ટ માટે તેમની ફળદ્રુપ ખેતીની જમીન સંપાદિત થવાના ભયથી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે પ્રોજેક્ટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ખેડૂતોની રજૂઆત સાંભળવા માટે ખેતીવાડી વિભાગ અને એરપોર્ટ ઓથોરિટીની એક સંયુક્ત ટીમ જ્યારે વસઈ ગામની મુલાકાતે પહોંચી, ત્યારે વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર સહિત 4 ગામોના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
દ્વારકાના 4 ગામોમાં તણાવ
ટીમ દ્વારા આયોજિત બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ રાજ્યના વિકાસના વિરોધી નથી, પરંતુ એરપોર્ટ માટે નિર્ધારિત વર્તમાન સ્થળ બદલવું જોઈએ. ખેડૂતોના મતે, આ વિસ્તારની જમીન અત્યંત ફળદ્રુપ હોવાથી જો તેનું સંપાદન થશે, તો તેમની આજીવિકા જોખમાશે અને તેમને મોટું આર્થિક નુકસાન થશે. તેમણે તંત્રને અપીલ કરી છે કે આ પ્રોજેક્ટને અન્ય બિન-ફળદ્રુપ અથવા પડતર જમીન પર સ્થાનાંતરિત કરવામાં આવે. ખેતીવાડી અને એરપોર્ટ આથોરીટીની ટીમ દ્વારા ખેડૂતોની તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળવામાં આવી હતી. ટીમે ખેડૂતોને ખાતરી આપી છે કે તેમની માંગણીઓ અને ભય વિશે સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
