અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે ગઈકાલે હવામાનમાં પલટો આવ્યો હતો.દ્વારકા પંથકમાં સવારે અને બપોરે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા રસ્તા ઉપરથી પાણી વહેવા માંડ્યા હતા.સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સાથે પવનનું જોર વધતા સર્વત્ર ગરમીનો પારો ગગડ્યો હતો.આજે સવારથી દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળે માવઠું થતાં તલ, મગ, મગફળી અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો
ગઈકાલે ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણ ચોમાસા જેવું બન્યું હતું વરસાદી માહોલ વચ્ચે ખંભાળીયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ઓખામાં સવારે 10 વાગ્યાની આસપાસ 2 મીમી અને કલ્યાણપુરમાં બપોરે બે વાગ્યાની આસપાસ 3 મીમી વરસાદ પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે.રાજકોટ શહેરમાં બપોરે પવનનું જોર વધી ગયું હતું 30 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.કચ્છ જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાવડા સહિતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.
