પાદરા–વડોદરા રોડ પર આવેલી Gibraltar કંપની પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.


પાદરા–વડોદરા રોડ પર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાના કારણે પાદરા-વડોદરા રોડ પર બંને બાજુ લગભગ એક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ સાંગમાં ગામના વિશાલ રમેશભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતક વિશાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. 

આ પણ વાંચો: વસોની વેદ હોસ્પિટલની ગંભીર બેદરકારી, નર્સે ઈન્જેક્શન આપતા યુવકનો હાથ જોખમમાં

  • Follow us on: