ભારતના નવા શ્રમ માળખાના પરિવર્તનકારી પ્રભાવ પર ભાર મૂકતા, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનસ (FOKIA) દ્વારા ગાંધીધામમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ (SHRP), વડોદરા અને તોલાણી મોટવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (TMIMS), આદિપુરના સહયોગથી યોજાયેલા આ સેમિનારનો વિષય “ફ્રોમ કોમ્પ્લેક્સિટી ટુ ક્લેરિટી—ફોર લેબર કોડ્સનું સીમલેસ ઇન્ટિગ્રેશન” રાખવામાં આવ્યો હતો.
જટિલ કાયદાઓ સરળ બનશે
નિષ્ણાતોના મતે, ભારતના જટિલ શ્રમ કાયદાઓને એકત્રિત કરીને ચાર કોડ્સમાં સમાવવામાં આવવું એ એક ઐતિહાસિક સુધાર છે. આ ફેરફારથી શ્રમ વહીવટમાં પારદર્શિતા અને એકરૂપતા આવશે, જેનાથી વિદેશી મૂડીરોકાણ વધવાની અને વ્યવસાય કરવાની સરળતા વધવાની પૂરી શક્યતા છે. નવા શ્રમ કોડ્સ કામદારોના કલ્યાણ અને નોકરીદાતાઓના હિતો વચ્ચે સંતુલન જાળવશે
મહાનુભાવોની ઉપસ્થિતિ
સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત FOKIA ના મેનેજિંગ ડિરેક્ટર નિમિશ ફડકે, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને વિવિધ ઉદ્યોગોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને પ્રશ્નોતરી
ગુજરાત સરકારના સહાયક શ્રમ આયુક્ત એમ.જે. સોની સહિતના નિષ્ણાતોએ અમલીકરણના પડકારો અને તેના લાંબા ગાળાના લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. સેમિનારમાં ગુજરાતભરના એમએસએમઇ (MSME) અને મોટા ઉદ્યોગોના 140 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે, લગભગ 2 કલાક સુધી ચાલેલી પ્રશ્નોતરી દરમિયાન ઉપસ્થિત લોકોની મુંઝવણોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
શ્રમ કાયદાની સમજ માટે આવા સેમિનાર વધારે થાય
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું હતું કે શ્રમ કાયદાની સમજ માટે આવા સેમિનાર વધારે થાય અને કચ્છ તથા ગુજરાત વધુ મજબૂતીથી ઉત્પાદન ક્ષેત્રે આગળ વધે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું હતું કે એમ્પ્લોયર અને એમ્પ્લોઇ વચ્ચે હંમેશા સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે અને નાનામાં નાના શ્રમિકોનો પણ કાયદામાં કરેલી જોગવાઇથી વિશેષ ખ્યાલ રાખવામાં આવે તો આ ચાર શ્રમ કાયદા વિશેષ રીતે ભારતને વિકસીત ભારતની દિશામાં આગળ લઇ જવા સહાયરુપ બનશે. આ કાર્યક્રમ માટે રાજ્યના શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા તથા રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદ તથા ઇફ્કોના અનિરુદ્ધ વિક્રમસિંહે શુભેચ્છા પાઠવી હતી
આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો