ગાંધીનગરના મગોડી ગામમાં જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના અંદાજે 900 લોકો જે ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે, તે ટાંકી તપાસતા તેમાંથી એક-બે નહીં પણ કુલ 9 સરીસૃપો મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ટાંકીમાં સાપ અને પાટલા ઘોનો વસવાટ
છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોને પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પાણી પીવાલાયક ન જણાતા આખરે ટાંકી ખોલીને તપાસ કરવામાં આવી હતી. ટાંકીની અંદરનું દ્રશ્ય જોઈને તપાસ કરનારાઓના પણ હોશ ઉડી ગયા હતા. ટાંકીમાં સાપ અને પાટલા ઘોનો વસવાટ જોવા મળ્યો હતો.
તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન
તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટાંકીમાંથી સાપ અને પાટલા ઘો બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, રેસ્ક્યુ દરમિયાન 6 ફૂટ લાંબો એક મૃત સાપ પણ મળી આવ્યો હતો, જે અત્યંત કોહવાયેલી હાલતમાં હતો. આ જ કોહવાયેલા સાપના કારણે પાણીમાં ઝેરી અસરો અને દુર્ગંધ ફેલાઈ રહી હતી.
લોકોના આરોગ્ય પર ખતરો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પાણીની ટાંકીની પાઈપનું જોડાણ નજીકના તળાવ સાથે છે. ટાંકી કે પાઈપ લાઈનમાં પ્રોપર ફિલ્ટર કે જાળી ન હોવાના કારણે, આ સરીસૃપો પાઈપ વાટે સીધા પાણીની ટાંકીમાં પહોંચી ગયા હોવાની પ્રબળ શક્યતા છે.900 લોકો લાંબા સમયથી આ ગંદુ અને સરીસૃપોવાળું પાણી પીતા હતા, જેને કારણે બીમારી ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનો હવે પંચાયત અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને ટાંકીની સંપૂર્ણ સફાઈ તેમજ પાઈપ લાઈન રીપેરીંગની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Rajkot: સાધના સોસાયટીમાં બે ગેસ સિલિન્ડરના ભયાનક બ્લાસ્ટ, એક પછી એક બે ધડાકા