ગાંધીનગરના શેરથા નજીક  અકસ્માત સર્જાયો હતો. કલોલથી અડાલજ હનુમાન દાદાના દર્શને જઈ રહેલા દંપતીની કાર પર એક આઈશર ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દર્શન કરવા જતાં કાળનો પંજો પડ્યો

મળતી માહિતી મુજબ, કલોલના વતની પતિ-પત્ની રવિવારની રજામાં અડાલજ ખાતે હનુમાન દાદાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન શેરથા નજીક હાઈવે પર પસાર થઈ રહેલું આઈશર અચાનક પલટી મારી ગયું હતું અને બાજુમાંથી પસાર થતી આ દંપતીની કાર પર પડ્યું હતું. આઈશર નીચે કાર દબાઈ જતાં કારમાં સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હાઈવે પર ટ્રાફિકજામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ અને ટોલ રોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રાફિક હળવો કરવા માટે વાહનોને ઉવારસદ ગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક કલોલ CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યારે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Anand: ભાલેજમાં રસ્તાના વિવાદમાં લોહીયાળ જંગ, બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો અને તોડફોડ