ગાંધીનગરની સેશન્સ કોર્ટે એક સનસનાટીભર્યા હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મહિલાની કરપીણ હત્યા કરનાર આરોપી નારાયણસિંગ કુશવાહાને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી) અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગાંધીનગરની કોર્ટે આરોપી આજીવન કેદની સજા ફટકારી
આ લોહીયાળ ઘટના ગાંધીનગરના રકનપુર પાસે આવેલી એક ખાનગી કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં બની હતી. આરોપી નારાયણસિંગ કુશવાહા અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, આ સંબંધમાં બ્લેકમેલિંગને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રેમ સંબંધની અદાવતમાં આરોપી આધેડ ભાન ભૂલ્યો હતો અને મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
કોર્ટનો કડક વલણ અને સજા
સાંતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ગાંધીનગર કોર્ટે કેસની ગંભીરતા અને હત્યાની ક્રૂરતાને ધ્યાને રાખીને આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ વગર સખ્ત સજા ફટકારી છે.
બ્લેકમેલિંગના વિવાદે લીધો મહિલાનો જીવ
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અને મહિલા વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. મહિલા દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા હોવાની અદાવત રાખીને નારાયણસિંગે આ ખૌફનાક પગલું ભર્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં આવા જઘન્ય અપરાધો કરનારા તત્વો સામે કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.
આ પણ વાંચો: દેરડી રોડ પર બે રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની લાઈવ ઘટના CCTVમાં કેદ