જેતપુરના દેરડી રોડ પર આવેલા પુલ પાસે આજે બે રિક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક છકડો રિક્ષા અને મુસાફરો ભરેલી પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં ત્રણ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની ભયાનકતાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે.


બે રિક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત 

મળતી માહિતી મુજબ, જેતપુરના દેરડી રોડ પર પુલ પાસેથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષાને સામેથી આવતી છકડો રિક્ષાએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પેસેન્જર રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ત્રણ મુસાફરોની હાલત ગંભીર

આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

પોલીસ કાર્યવાહી અને CCTV ફૂટેજ

અકસ્માતની જાણ થતા જ ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી રિક્ષાચાલકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રિક્ષાની ભૂલ હતી અને કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો. આ ફૂટેજના આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી


  • Follow us on: