જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.


વેરાવળ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ, એક કાર દીવથી જૂનાગઢ તરફ આવી રહી હતી. વેરાવળ હાઈવે રોડ પર કેશોદ નજીક કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું અને અંદર સવાર બંને વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

કારમાંથી દારૂ મળતા પોલીસ એક્શનમાં

અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જોકે, તપાસ દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે કારમાં સવાર વ્યક્તિઓ દીવથી દારૂ લઈને જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત દારૂના નશામાં સર્જાયો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલ અને કાયદેસરની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ૧૦૮ મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારમાંથી મળેલા દારૂના જથ્થાને જપ્ત કરી લીધો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ

  • Follow us on: