ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા નવી નથી, પરંતુ કેટલાક બેજવાબદાર વાહનચાલકોની જીદ હવે લોકોના જીવ પર જોખમ ઉભું કરી રહી છે. સુરતના લસકાણા રોડ પર પ્રતિબંધિત BRTS રૂટમાં કાર ચાલકો ઘૂસી જતાં ગંભીર દર્દી સાથેની એમ્બ્યુલન્સ અને બસ અટવાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
પ્રતિબંધિત રૂટમાં કાર ચાલકોનો ત્રાસ
લસકાણા રોડ પર આવેલા BRTS ટ્રેક માત્ર બસ અને ઈમરજન્સી સેવાઓ માટે ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં, ટ્રાફિકથી બચવા માટે અનેક કાર ચાલકો રોંગ સાઈડમાં આ પ્રતિબંધિત રૂટમાં ઘૂસી જાય છે. આજે પણ આવી જ એક સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક પછી એક અનેક કારો રોંગ સાઈડમાં ઘૂસી આવતા BRTS રૂટ બ્લોક થઈ ગયો હતો.










