ગુજરાતના શિક્ષણ વિભાગ હેઠળ મદદનીશ કેળવણી નિરીક્ષક બનવા માટેની AEIAT પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક મહત્વપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા AEIAT ની મુખ્ય (મેઇન્સ) પરીક્ષાની તારીખ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે હવે ઉમેદવારો શાંતિપૂર્વક બંને મહત્વની પરીક્ષાઓ આપી શકશે.

AEIAT ની મુખ્ય પરીક્ષાની તારીખ લંબાવવાનો નિર્ણય

અગાઉના જાહેરનામા અનુસાર, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મુખ્ય પરીક્ષા આગામી 7 જૂનના રોજ આયોજિત કરવામાં આવી હતી. જોકે, આ જ સમયગાળા દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પણ એક મહત્વની પરીક્ષાનું આયોજન પહેલેથી જ નક્કી થયેલું હતું. એક જ દિવસે બે મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોવાના કારણે હજારો ઉમેદવારો ભારે મૂંઝવણમાં મુકાયા હતા કે કઈ પરીક્ષા આપવી અને કઈ છોડવી. ઉમેદવારોની આ વ્યાપક રજૂઆતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડે મોટું મન રાખીને તારીખમાં ફેરફાર કર્યો છે.

હવે 13 જૂનના રોજ લેવાશે કસોટી

નવા સત્તાવાર નિર્ણય મુજબ, હવે AEIAT ની મુખ્ય પરીક્ષા 7 જૂનને બદલે 13 જૂનના રોજ યોજવામાં આવશે. તારીખ લંબાવવાના કારણે ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના રિવિઝન અને તૈયારી માટે અઠવાડિયા જેટલો વધારાનો સમય પણ મળી ગયો છે. બોર્ડ દ્વારા ટૂંક સમયમાં નવી તારીખ મુજબના હોલ ટિકિટ (Admit Card) ડાઉનલોડ કરવા અંગેની વિગતો પણ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: સેટેલાઇટની રત્નાકર-3 બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ,ધુમાડાના ગોટેગોટા દેખાયા