અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ'માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ હાજરી આપી હતી. તેમણે આયુર્વેદ, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અને માનવ સ્વાસ્થ્યના આંતરસંબંધો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.


આયુર્વેદ માત્ર સારવાર નહીં, જીવનવિજ્ઞાન

રાજ્યપાલએ જણાવ્યું કે આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે અને તે ભારતીય ઋષિ પરંપરાની દેન છે. તેમણે આપણા ઋષિઓને પ્રથમ 'રિસર્ચ સ્કોલર' ગણાવતા કહ્યું કે, હજારો વર્ષો પહેલાના તેમના સિદ્ધાંતો આજે પણ આધુનિક લેબમાં એટલા જ સચોટ સાબિત થાય છે.

દેશી ગાય અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ

રાજ્યપાલશ્રીએ પોતાના વક્તવ્યમાં ગાયના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો, દેશી ગાયનું દૂધ, ઘી અને ગોમૂત્ર અદભૂત ઔષધિ છે. ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને ઝેરને નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. પ્રાકૃતિક ખેતી વિ. ઓર્ગેનિક ખેતી: તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત છે અને તે જમીનને ફળદ્રુપ બનાવે છે. જ્યારે ઓર્ગેનિક ખેતી વધુ ખર્ચાળ છે. ગાયના ૧ ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેમાંથી બનતું 'જીવામૃત' જમીનને જીવંત બનાવે છે.

રાસાયણિક ખેતી અને ટેકનોલોજી પર ચિંતા

રાજ્યપાલશ્રીએ વર્તમાન સમયના બે ગંભીર પડકારો વિશે ચેતવણી આપી. કેમિકલ યુક્ત આહાર: રાસાયણિક ખેતીને કારણે માતાના દૂધમાં પણ કેમિકલ્સ મળી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. આજની પેઢીમાં મોબાઇલની વધતી લતને તેમણે ગંભીર સમસ્યા ગણાવી હતી.

સફળ ઉદાહરણો અને અપીલ

તેમણે કુરુક્ષેત્રના ગુરુકુલનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં જાત સુધારાના પરિણામે ગાયો રોજે 40 લિટર દૂધ આપે છે. તેમણે વૈદ્યોને અપીલ કરી કે તેઓ આયુર્વેદ પર વિશ્વાસ રાખી સતત સંશોધન કરતા રહે, જેથી ભારત એક સ્વસ્થ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બની શકે.

 આ પણ વાંચો:સ્વાભિમાન પર્વની દિવ્ય રોનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાદેવના દર્શન કરી ભવ્ય ડ્રોન શો નિહાળ્યો

  • Follow us on: