ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં “આધારશિલા” નામના પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોના માનસિક અને શારીરિક વિકાસને પાયાના સ્તરથી જ મજબૂત બનાવવાનો છે. આ નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ બાળકોને દરરોજ 4 કલાક રમત-ગમત સાથે સર્જનાત્મક શિક્ષણ આપવામાં આવશે, જેથી તેમનો પાયો મજબૂત થાય.

શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ

આ અભ્યાસક્રમની સાથે બાળકોના વિકાસના માપદંડ નક્કી કરતી “મારી વિકાસ યાત્રા” પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી છે, જે એક પ્રગતિ અહેવાલ (Report Card) તરીકે કામ કરશે. આ નવી વ્યવસ્થાને સુચારૂ રીતે ચલાવવા માટે રાજ્યભરના આંગણવાડી કાર્યકરોને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. આ આયોજન દ્વારા સરકાર બાળકોના પોષણની સાથે તેમના ગુણવત્તાસભર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણ માટે એક મજબૂત સેતુ સાબિત થશે.