ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત રાજ્યએ ફરી એકવાર ઇતિહાસ રચીને દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ "વંદે માતરમ, સ્વતંત્રતાનો મંત્ર" રાખવામાં આવી હતી, જેને દેશના નાગરિકોએ ખૂબ જ પસંદ કરી છે. ભારત સરકારના MyGov પોર્ટલ પર હાથ ધરવામાં આવેલા ઓનલાઇન સર્વેક્ષણમાં લોકોએ ગુજરાતના ટેબ્લોને સૌથી વધુ મતો આપીને વિજેતા બનાવ્યો છે. આ સિદ્ધિ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને દેશભક્તિના પ્રતીક સમાન રજૂઆતનું પરિણામ છે.
ઐતિહાસિક જીત
આ સાથે જ દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ થયેલા અન્ય પ્રદર્શનોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય નૌકાદળ (Indian Navy) અને દિલ્હી પોલીસની ટુકડીએ શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો એવોર્ડ જીતીને પોતાની શિસ્ત અને સમર્પણનો પરિચય આપ્યો હતો. ગુજરાત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની કલા અને વિચારધારાને સર્વોચ્ચ સન્માન મળ્યું છે, જે રાજ્યના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈ પર લઈ જાય છે.
