ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને દેશની સુરક્ષાને લગતા એક મહત્ત્વના કેસમાં મોટી સફળતા મળી છે. ATSએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI (Inter-Services Intelligence) સાથે જોડાયેલા બે જાસૂસોની ધરપકડ કરી છે, જેમાં એક નિવૃત્ત આર્મી જવાન અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં નિવૃત્ત સુબેદાર એ.કે. સિંહ (A.K. Singh) અને રશ્મિન રવિન્દ્ર પાલ (Rashmin Ravindra Pal) નો સમાવેશ થાય છે.
દેશદ્રોહનો પર્દાફાશ
તમને જણાવી દઈએ કે, એ.કે. સિંહને ગોવાથી ઝડપી લેવામાં આવ્યો છે. તે મૂળ બિહારનો વતની છે અને આર્મીમાં સુબેદાર હતો. તે આર્મી ઓફિસરની બદલીઓ, નામ સહિતની સુરક્ષા સંબંધિત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. તે પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડતો હતો. રશ્મિન પાલને દમણથી ઝડપાઈ છે. ATSના જણાવ્યા અનુસાર, આરોપી રશ્મિન હનીટ્રેપનો પણ પ્રયાસ કરતી હતી અને દેશ વિરોધી એક્ટિવિટીમાં મદદ કરતી હતી. આરોપીઓ માહિતીની આપ-લે માટે અલગ-અલગ બેન્ક એકાઉન્ટ અને સતત બદલાતા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. હાલમાં ATS દ્વારા ISI તરફથી તેમને કેટલા રૂપિયા મળ્યા, તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.













