ગાંધીનગરના સરગાસણ અને કુડાસણ વચ્ચેના મુખ્ય માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે જોરદાર પલટી મારી હતી. આ અકસ્માતને પગલે માર્ગ પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કુડાસણ રોડ પર કાર પલટી 

મળતી માહિતી મુજબ, કાર ચાલક સરગાસણથી કુડાસણ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર માર્ગની વચ્ચે જ ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને શરીરે ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.

અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ

ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે જે સમયે આ ઘટના બની તે સમયે આસપાસ અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ બાદમાં સ્થિતિ થાળે પડી હતી.

આ પણ વાંચો: Dang: ટેસ્ટ ડ્રાઈવના બહાને શો-રૂમમાંથી બાઈક ચોરતો ભેજાબાજ ઝડપાયો, અનેક વિસ્તારોમાં કરેલી ચોરીની કબૂલાત