ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ચંદ્રાલા નાકા પાસે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વાહનમાંથી ઘાતક હથિયારો અને જીવતા કારતુસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વાહન ચેકિંગમાં ઝડપાયો જથ્થો

ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા નાકા પાસે કડક વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રાજસ્થાન પાસિંગના એક વાહનને રોકી તલાશી લેતા તેમાંથી એક અત્યાધુનિક પિસ્તોલ અને દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા હથિયારોની સાથે 29 જેટલા જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.

આરોપીઓ રાજસ્થાનના વતની

પોલીસે હથિયારો સાથે બે શખ્સોની સ્થળ પર જ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેઓ આ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને ગુજરાતના કયા શહેરમાં કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોટી જાનહાનિ કે ગુનાખોરીની આશંકા

ચૂંટણીના માહોલમાં આટલી મોટી સંખ્યામાં જીવતા કારતુસ અને હથિયારો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. હથિયાર હેરાફેરી પાછળ કોઈ મોટો ગુનાહિત મનસૂબો હતો કે કેમ? તે અંગે ચિલોડા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Amreli: હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાના શાન ઠેકાણે, હુમલો કરી ફરાર આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું