પાટનગરમાં મેટ્રો સેવાના પ્રારંભની સાથે જ રાજ્યના નેતાઓએ પણ આ આધુનિક સુવિધાનો જાતે અનુભવ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા શરૂ થયેલા મેટ્રો રૂટ પર સવારી કરીને જનતાને સમર્પિત આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

મહાત્મા મંદિરથી સચિવાલય સુધીની સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આશરે 5.36 કિમીના નવા રૂટ પર મુસાફરી કરી સચિવાલય સ્ટેશન સુધી સફર માણી હતી. મુસાફરી દરમિયાન તેમણે મેટ્રોની આધુનિક સુવિધાઓ અને ઝડપની પ્રશંસા કરી હતી.

વિકાસની ગતિનું નિરીક્ષણ

આ સવારી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને પ્રોજેક્ટની વિશેષતાઓ જાણી હતી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફરને ગાંધીનગરની કનેક્ટિવિટી માટે એક નવો યુગ ગણાવ્યો હતો. બંને નેતાઓએ મેટ્રો ટ્રેનની અંદરની વ્યવસ્થા અને સુરક્ષાના માપદંડોનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

જનતા માટે પ્રેરણારૂપ

રાજ્યના ઉચ્ચ પદસ્થ નેતાઓ દ્વારા મેટ્રોમાં સવારી કરવાથી સામાન્ય નાગરિકોમાં પણ આ સેવાનો ઉપયોગ કરવાનો ઉત્સાહ વધ્યો છે. ખાસ કરીને સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે આ રૂટ કેટલો અનુકૂળ રહેશે, તેનો અહેસાસ CM અને DYCM એ જાતે મુસાફરી કરીને મેળવ્યો હતો.

આ પણ વાંચો: મેટ્રોના લોકાર્પણ બાદ PM મોદી લોક ભવન પહોંચ્યા, અહીં કરશે રાત્રિ રોકાણ