ગાંધીનગરના અડાલજમાં દાદા કન્વેન્શન સેન્ટર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજર રહીને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરી હતી અને ભવિષ્યના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા હતા.

ચૂંટણી અને SIR ની કામગીરીને બિરદાવી

નાયબ મુખ્યમંત્રીએ છેલ્લા 5 મહિનાથી ચૂંટણી અને SIR (Special Investment Region) માં કલેક્ટરો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને રાજ્યના નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, નવી ટેક્નોલોજીના માધ્યમથી લોકોને ઝડપી સેવા આપવી એ જ આ શિબિરનો મુખ્ય હેતુ છે.

'વન સ્ટેટ, વન એપ્લિકેશન'નો પ્રસ્તાવ

વહીવટી ખર્ચ ઘટાડવા અંગે DyCM એ ભારપૂર્વક જણાવ્યું કે, "દરેક જિલ્લો અલગ-અલગ એપ્લિકેશન બનાવે તેનાથી સમય અને નાણાંનો બગાડ થાય છે. આખા રાજ્યમાં મહેસૂલ વિભાગની એક જ અને યુઝર ફ્રેન્ડલી કોમન એપ્લિકેશન હોવી જોઈએ." તેમણે અધિકારીઓને ત્રણ વર્ષનો ટેકનોલોજી પાછળનો ખર્ચ તપાસવા અને તેને ઓપ્ટિમાઇઝ કરવા સૂચન કર્યું હતું.

CSR ફંડ અને ઉદ્યોગોનો વિકાસ

હર્ષ સંઘવીએ CSR (Corporate Social Responsibility) ફંડ બાબતે કલેક્ટરોને ટકોર કરતા કહ્યું કે, જો ઉદ્યોગો ગુજરાતમાં હોય અને સુવિધાઓ આપણે આપતા હોઈએ, તો તેમનું CSR ફંડ અન્ય રાજ્યોમાં વપરાય તે યોગ્ય નથી. કલેક્ટરોએ પોતાના જિલ્લાના ઉદ્યોગોના ફંડનો સ્થાનિક વિકાસ માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ માટે થતી ઝડપી કામગીરીનું ઉદાહરણ આપી અન્ય જિલ્લાઓને તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.

સુરક્ષા અને સ્વચ્છતા પર ભાર

પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલન પર બોલતા તેમણે કહ્યું કે, પાસા અને તડીપારની અરજીઓ પર ત્વરિત નિર્ણય લેવો જોઈએ. જો કોઈ અરજી રિજેક્ટ કર્યા પછી તે વ્યક્તિ ગુનો કરે, તો તે માટે નિર્ણય લેનાર અધિકારી પણ એટલા જ જવાબદાર છે. વધુમાં, કલેક્ટર કચેરીઓની સ્વચ્છતા બાબતે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જે એજન્સી શૌચાલયની સફાઈમાં બાંધછોડ કરે તેને તુરંત બ્લેકલિસ્ટ કરો.

ટૂરિઝમમાં નવા સુધારા

રાજ્યમાં પ્રવાસન વધારવા માટે તેમણે દરેક ટૂરિઝમ ડેસ્ટિનેશન પર એકસરખી લારીઓ અને હાઈજેનિક ફૂડની વ્યવસ્થા કરવા માટે 'શોર્ટ ટર્મ ગોલ' નક્કી કરવા જણાવ્યું હતું. વિદેશી પ્રવાસીઓને પણ અહીંની સ્વચ્છતા અને સુવિધા પ્રભાવિત કરે તેવું આયોજન કરવા તેમણે ટીમ ગુજરાતને આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Patan: હારીજમાં શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત ધરાશાયી, અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત