પાટણ જિલ્લાના હારીજ શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હારીજના ભરચક મુખ્ય બજારમાં આવેલા એક શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોની છત અચાનક જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મુખ્ય બજારમાં સર્જાઈ અફરાતફરી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શોપિંગ સેન્ટરની છત ખૂબ જ ભયાનક અવાજ સાથે નીચે પડી હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇકસવાર અને એક મહિલા આ કાટમાળની ચપેટમાં આવી ગયા હતા. છતનો સ્લેબ સીધો બાઇક પર પડતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે નજીકમાં ઉભેલી મહિલા પણ કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થઈ હતી.

સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી

દુર્ઘટના સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ પોતાની રીતે જ કાટમાળ હટાવીને નીચે ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.

આ પણ વાંચો: Surat: પીપોદરામાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં આગની જ્વાળાઓ, ગેરેજમાં ઉભેલા ૩ ટેમ્પો પણ આગની ચપેટમાં આવતા ભારે નુકસાન