ગાંધીનગર શહેરમાં બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોતના મામલે ભારે હોબાળો મચી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ દાવો કર્યો છે કે બાળકોના મોત ટાઈફોઈડથી થયા નથી. કમિશનરના જણાવ્યા અનુસાર, બાળક માત્ર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં દાખલ હતું અને તેનું મોત ટાઈફોઈડને કારણે થયું હોવાની વાતમાં તથ્ય નથી. જોકે, આ નિવેદનથી મૃતક બાળકોના પરિવારજનો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા મોતના ચોક્કસ કારણો સ્પષ્ટ કરવાને બદલે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગે છે.
ગાંધીનગર મનપા કમિશનરની ઉદ્ધતતા
બીજી તરફ, જ્યારે શહેરમાં આરોગ્યની સ્થિતિ ગંભીર છે, ત્યારે ગાંધીનગર મનપાની આખી ટીમ ભાવનગરમાં ક્રિકેટ રમવા પહોંચી હોવાથી વિવાદ વધુ વકર્યો છે. આ અંગે જ્યારે કમિશનરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે "12-13 લોકો ક્રિકેટ રમે તો આખું તંત્ર ઠપ ન થઈ જાય." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાવનગરમાં તમામ મહાનગરપાલિકાઓની ટીમોને બોલાવવામાં આવી છે. એક તરફ શહેરીજનો બાળકોના મોતથી ફફડાટમાં છે, ત્યારે જવાબદાર અધિકારીઓની આવી સંવેદનહીનતા અને ઉડાઉ જવાબો સોશિયલ મીડિયા પર ટીકાનો વિષય બન્યા છે.
