ગુજરાતમાં હાલ પડી રહેલી અસહ્ય ગરમીને લઈ તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની સંચાલક મંડળ દ્વારા માગ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા જણાવ્યું છે કે,સ્કૂલોમાં આગામી તા.8 જૂનના બદલે તા.18 જૂનથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે.આ સાથે જ બાળકોને લૂ અને ટ્રાન્સપોર્ટની સમસ્યાથી બચાવવા માટે શાળાઓના શૈક્ષણિક દિવસો ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ અપનાવવાની પણ ભલામણ કરાઈ છે.

18 જૂનથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવા માગ

સંચાલક મંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,હાલમાં ગુજરાતના પ્રત્યેક ગામડા અને શહેરોમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.એ સિવાય અત્યારે યુદ્ધના લીધે પેટ્રોલ-ડીઝલની પણ અછત વર્તાઈ રહી છે.જેથી અગાઉના આયોજન મુજબ શાળાઓ 8 જૂનના રોજ શરૂ થવાની છે.પરંતુ આટલી બળબળતી ગરમીમાં માસૂમ બાળકોને મોટી રાહત આપવી અનિવાર્ય હોવાથી વેકેશન લંબાવીને 18 જૂનથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે.

તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ અંગે નિર્ણય લેવા માગ

આ ઉપરાંત કેજી થી ધોરણ 5ની શાળાઓ અઠવાડિયામાં માત્ર 5 દિવસ, ધોરણ 6 થી 8 ની શાળાઓ અઠવાડિયામાં માત્ર 3 દિવસ ચલાવવાની અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ અંગે નિર્ણય લઈ હુકમ કરવા વિનંતી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસુ નજીક આવવા છતાં ગરમીમાં કોઈ રાહત મળવાના અણસાર નથી. જૂન મહિનાની 20 તારીખ પછી ગરમીમાં રાહત મળે તેવા સંકેત મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાતમાં ઈબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ, વિદેશી નાગરિક અમદાવાદ સિવિલમાં દાખલ