ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ-44 હેઠળ લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરવામાં આવી છે. આ સુધારા અંતર્ગત સરકારે 30 દિવસમાં જનતા અને ધારાસભ્યો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ મુદ્દે ડેડિઆપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી દીકરીઓની સુરક્ષાને લઈને આકરા પ્રહારો કર્યા છે.


 લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારા

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "હજારો આદિવાસી દીકરીઓની મજબૂરીનો લાભ લઈને તેમને અન્ય જ્ઞાતિઓમાં લઈ જવામાં આવે છે. ઘણીવાર 'લવ જેહાદ' જેવી વાતો કરીને દીકરીઓને લલચાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારી દીકરીઓ સુરક્ષિત રહે અને તેમની મજબૂરીનો કોઈ ફાયદો ન ઉઠાવે."વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર ચૂંટણી લડવા માટે અથવા આદિવાસીઓની જમીનો હડપવા માટે કરવામાં આવે છે. આ પ્રકારના 'સ્વાર્થના લગ્નો' પર કડક નિયંત્રણ આવવું જોઈએ તેવું સૂચન તેઓ સરકારને આપશે.

બીજી જ્ઞાતિની દીકરીઓ આદિવાસીમાં આવે તેવી માગ કરીશુ

ધારાસભ્યએ સમાનતાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, જો આજે UCC (સમાન નાગરિક સંહિતા) ની વાતો થતી હોય, તો આદિવાસી સમાજમાં અન્ય જ્ઞાતિની દીકરી વહુ બનીને આવે તો તેને કેમ મંજૂરી મળતી નથી? તેમણે માંગ કરી છે કે જો અમારી દીકરીઓ અન્ય જ્ઞાતિમાં જતી હોય, તો બીજી જ્ઞાતિની દીકરીઓ પણ આદિવાસી સમાજમાં આવે તેવી વ્યવસ્થા થવી જોઈએ.

30 દિવસમાં આપશે સૂચનો

સરકારે નવા નિયમો (જેમ કે માતા-પિતાની મંજૂરી અને 30 દિવસની નોટિસ) જાહેર કર્યા છે, તેના પર ચૈતર વસાવા અને તેમનો પક્ષ આગામી દિવસોમાં આદિવાસી સમાજના હિતોને રક્ષવા માટે લેખિત રજૂઆતો કરશે.

આ પણ વાંચો: Ahmedabad: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની તૈયારી


  • Follow us on: