ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક શહેરોમાં મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 800 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ ચાર માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે.
કરોડોની કરચોરીના મુખ્ય કેસ
DGGI દ્વારા કરચોરીના 3 મોટા કેસોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં AH એન્જિનિયરિંગના નામે 550 કરોડનું બોગસ બિલિંગ કરીને કરચોરી આચરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાનની ધરપકડ કરવામાં આવી છે. તૌફિક ખાને 45 કરોડના ડુપ્લીકેટ બિલ ખરીદીને 9 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી હતી.
હાર્દિક સંજયભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી
અન્ય કેસમાં જૂનાગઢના ભારત સેનેટરીના માલિક હાર્દિક સંજયભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે 110.57 કરોડના ડુપ્લીકેટ બિલથી 28.02 કરોડની ITC મેળવી હતી. જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ LLPના જયદીપ મુકેશભાઈ વિરાણીની પણ ધરપકડ થઈ છે. જયદીપે 121 કરોડના ડુપ્લીકેટ બિલથી 22 કરોડની ITCનો લાભ લીધો હતો. આરોપીઓએ નકલી દસ્તાવેજોના આધારે અનેક શેલ કંપનીઓ ઊભી કરીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. મુંબઈ, ચંદ્રપુર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિતના શહેરોમાં તપાસ દરમિયાન આ ગેરરીતિઓ સામે આવી હતી.
આ પણ વાંચો - Bhavnagar News : NSUI પ્રમુખ આર્શમાનખાન બ્લોચની ધરપકડ, IPO ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 47.50 લાખની છેતરપિંડી