PM નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પાયાની સુવિધાઓ અને ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાથી ડરવાની જરૂર નથી.


પુરવઠાની સ્થિતિ અને PNG ને અગ્રતા

DyCM એ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ અંગેની અફવાઓ પાયાવિહોણી છે. સરકાર હવે પીએનજી (PNG) કનેક્શનને અગ્રતા આપી રહી છે.આગામી દિવસોમાં અમદાવાદમાં 11,350 નવા PNG કનેક્શન અપાશે. દેશના કુલ PNG કનેક્શનના 23 ટકા માત્ર ગુજરાત પાસે છે. છેલ્લા 10 દિવસમાં જ 12,000 થી વધુ PNG અને 300 કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે.

અફવા અને કાળાબજારી સામે લાલ આંખ

લોકડાઉન અને પુરવઠાની અછત અંગેની અફવાઓ પર આકરા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, "આવા લોકોનો સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ અને તેમની માહિતી પોલીસને આપવી જોઈએ." કાળાબજારી કરનારા 17 થી વધુ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. 10 હજાર જેટલી એલપીજીની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને ટોલ-ફ્રી નંબર દ્વારા સતત નિરીક્ષણ ચાલુ છે.

સરકારની કટિબદ્ધતા

DyCM એ આશ્વાસન આપ્યું કે બીજા દેશોમાં સમસ્યા હોઈ શકે છે, પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પૂરતો જથ્થો છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની રચના કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રી વિભાગને પણ સૂચના અપાઈ છે કે જરૂર જણાયે કામદારોના પગાર વહેલા થાય અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો: Gandhinagar: પીવાની ટાંકીમાંથી 9 સાપ અને પાટલા ઘો નીકળ્યા, પાઈપ વાટે તળાવના સરીસૃપો ટાંકીમાં ઘૂસ્યા

  • Follow us on: