રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પ્રશંસનીય કામગીરી કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પ્રતિષ્ઠિત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ એવોર્ડ પ્રક્રિયા અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તાલુકા અને જિલ્લા કક્ષાએથી લાયક શિક્ષકોની દરખાસ્તો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
દરખાસ્ત આગામી 15 જૂન સુધીમાં સબમિટ કરવાની રહેશે
શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર,આ એવોર્ડ માટેની દરખાસ્તો રજૂ કરવા માટે બે અલગ-અલગ સમયગાળા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ પોતાની દરખાસ્ત આગામી 15 જૂન સુધીમાં સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલી તમામ યોગ્ય દરખાસ્તોની ચકાસણી કરીને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા 30 જૂલાઈ સુધીમાં શિક્ષણ નિયામક કચેરીને અંતિમ દરખાસ્તો મોકલી આપવાની રહેશે.
