સુરતના ટેક્સ્ટાઈલમાં કાચા માલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે કાપડનું પ્રોડકશન કોસ્ટિંગ ખૂબ જ ઊંચું ગયું છે. ખર્ચ વધવાને કારણે ફિનિશ્ડ (તૈયાર) કાપડ મોંઘું થયું છે. જેની સામે સ્થાનિક અને વૈશ્વિક માર્કેટમાં જોઈએ તેવી ડિમાન્ડ નીકળી રહી નથી. કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સાથ હાલમાં લગ્નસરા કે તહેવારોની કોઈ ખાસ સિઝન ન હોવાથી બહારના રાજ્યોની મંડીના વેપારીઓ પણ ખૂબ જ સાવચેતીપૂર્વક માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. જેને પરિણામે બજારમાં કાપડની માંગ સાવ તળિયે બેસી ગઈ છે.

મંદીની સૌથી માઠી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડી

કાપડ બજારની આ મંદીની સૌથી માઠી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડી છે. ગયા મહિના સુધી સુરતના કાપડ બજારમાંથી અન્ય રાજ્યોની વિવિધ મંડીઓમાં દરરોજ સરેરાશ 300થી ઉપર ટ્રક ડિલિવરી માટે રવાના થતી હતી. જોકે, મે મહિના દરમિયાન આ સંખ્યામાં તબક્કાવાર મોટો ઘટાડો નોંધાયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 70 થી 75 ટ્રક પર આવી ગયો છે. સુરતના સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં મે મહિના દરમિયાન વેપારની આવી ચિંતાજનક અને ખરાબ સ્થિતિ ક્યારેય જોવા મળી નથી.

ડિલિવરી માટે પાર્સલ પુરતા પ્રમાણમાં આવી રહ્યા નથી

હાલમાં ડિલિવરી માટે પાર્સલ પુરતા પ્રમાણમાં આવી રહ્યા નથી. પહેલા ટ્રાન્સપોર્ટર્સ ટૂંકો ગણતા હતા, હવે પરિસ્થિતિ એવી થઈ છે કે, પાર્સલો ગણવા પડે છે. ગત વર્ષોની સરખામણીએ આ વખતે ટ્રાન્સપોર્ટ બિઝનેસ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટર્સની મુશ્કેલી હજી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટર્સને નૂર (ભાડા) વધારવા સિવાય છૂટકો નથી. ટ્રાન્સપોર્ટર્સ અંતર પ્રમાણે પ્રતિ પાર્સલના ભાડામાં 10થી 50 રૂપિયા સુધીનો વધારો કરશે. આજ રીતે જીઆરમાં પ્રતિ પાર્સલ રૂ. 15 સુધીનો વધારો કરાશે. ટૂંકમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ભાડામાં ૫થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Surat News: આગામી પહેલી જૂનથી કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરી દરમાં 15 રૂપિયાનો વધારો