હોળી અને ધૂળેટીના તહેવારોમાં કેનાલ પર ન્હાવા પડતી વખતે સર્જાતી દુર્ઘટનાઓ રોકવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારના દિવસોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે નર્મદા કેનાલના વિવિધ પોઈન્ટ્સ પર ફાયર વિભાગના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
26 ટીમો તૈનાત, નભોઈમાં મહિલાનો જીવ બચ્યો
તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે 2 થી 4 માર્ચ સુધી ફાયરની કુલ 26 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ જવાનો 2-2 ની જોડીમાં કેનાલ પર હાજર રહેશે. આ વ્યવસ્થા કેટલી કારગત છે તેની સાબિતી આજે જ જોવા મળી હતી, જ્યારે નભોઈ પાસે કેનાલમાં ખાબકેલી એક મહિલાને ત્યાં હાજર ફાયરના જવાનોએ ત્વરિત કામગીરી કરી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.










