બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા સુઈગામ પોલીસ સ્ટેશનમાં જીઆરડી (GRD) સભ્યોની ભરતીમાં આચરવામાં આવેલા મોટા કૌભાંડમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. આ કૌભાંડને બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર માનદ અધિકારી દશરથ સોલંકીને જ જીઆરડીના સભ્ય પદ પરથી કમી (પદભ્રષ્ટ) કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.


વાવ-થરાદમાં GRD ભરતી કૌભાંડમાં કાર્યવાહી

સુઈગામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સગીર વયના વ્યક્તિઓને જીઆરડીના સભ્ય બનાવી દેવામાં આવ્યા હતા. દશરથ સોલંકીએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સગીરો અને અન્ય ખોટા નામોના આધારે આશરે 20 થી 25 સભ્યોનો પગાર ખોટી રીતે મેળવી લેવામાં આવતો હતો. આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે સોલંકીએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી.

સત્યની લડાઈમાં પદ ગુમાવ્યું

દશરથ સોલંકીની સચોટ રજૂઆત અને મહેનત બાદ આ મામલે 14 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જે અધિકારીએ આ કૌભાંડ પકડ્યું, તેમને જ જીઆરડી સભ્ય પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એવું મનાઈ રહ્યું છે કે વિભાગના જ કેટલાક હિતશત્રુઓએ આ મામલે તેમને પદભ્રષ્ટ કરાવ્યા છે.

વિરોધ અને ચકચાર

એક તરફ જ્યારે તંત્ર દ્વારા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કૌભાંડ ઉજાગર કરનાર વ્યક્તિને જ પદ પરથી હાથ ધોવાનો વારો આવતા સ્થાનિકો અને વિભાગમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્ય માટે લડનારા કર્મચારીને પ્રોત્સાહન આપવાને બદલે સજા મળતા આ મામલો હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: કોમર્શિયલ સ્કીમમાં રોકાણના નામે 3.24 કરોડનો ચૂનો, 7 ઓફિસના દસ્તાવેજ ન કરી બિલ્ડરે આચરી છેતરપિંડી

  • Follow us on: