ગુજરાતની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને સુદ્રઢ બનાવવા માટે ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ મંત્રાલયે વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતી 'બોર્ડર રેન્જ' નું વિભાજન કરીને તદ્દન નવી 'બનાસકાંઠા રેન્જ' ની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરહદ અને દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓનું મોનિટરિંગ વધુ મજબૂત બને અને સંકલન ઝડપી થાય તે આશયથી આ વ્યૂહાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.


550 કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર

મળતી વિગતો મુજબ, અગાઉ બોર્ડર રેન્જ હેઠળ આશરે 550 કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર આવતો હતો, જેનું સંચાલન એક જ આઈજી કક્ષાના અધિકારી માટે ખૂબ જ પડકારજનક હતું. આ વિસ્તારમાં 406.87 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જમીની સરહદ અને ૨૩૮ કિલોમીટર લાંબો સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સામેલ છે.

આ રેન્જમાં આ જિલ્લાનો સમાવેશ

હવે આ વિશાળ વિસ્તારના વિભાજન બાદ નવી વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નવી બનાસકાંઠા રેન્જ ઉભી કરાઇ છે. આ નવી રેન્જ હેઠળ બનાસકાંઠા જિલ્લો, વાવ-થરાદનો સરહદી વિસ્તાર અને પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પુનઃગઠિત બોર્ડર રેન્જમાં હવે પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને સૌરાષ્ટ્રના મહત્વના મોરબી જિલ્લાને પણ બોર્ડર રેન્જની સુરક્ષા ગ્રીડમાં સામેલ કરી દેવાયો છે.

રાજકોટ રેન્જમાં આ જિલ્લાનો સમાવેશ

આ ફેરફાર બાદ રાજકોટ રેન્જ હેઠળ હવે રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ રહેશે.

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર

ગૃહ વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરહદેથી થતી સંભવિત ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે પૂરતા પોલીસ કાફલા અને ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ જરૂરી હતી. નવી બનાસકાંઠા રેન્જ બનવાથી સરહદી જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક પોલીસિંગની ક્ષમતામાં પણ મોટો વધારો થશે.


આ પણ વાંચો----     Gujarat Latest News live: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ

  • Follow us on: