વિધાનસભા ગૃહમાં રાજ્યના સિંહોની વસ્તી અને સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સવાલના જવાબમાં સરકારે સિંહોની હાલની સ્થિતિ અને મૃત્યુદર અંગે વિગતવાર માહિતી આપી હતી.
રાજ્યમાં હાલ કુલ 255 સિંહ અને 405 સિંહણ નોંધાયા
સરકારે ગૃહમાં જણાવ્યું કે રાજ્યમાં હાલ કુલ 255 સિંહ અને 405 સિંહણ નોંધાયા છે. સાથે જ સિંહ બાળોની સંખ્યા વધીને 231 સુધી પહોંચી હોવાનું જણાવાયું, જે સંરક્ષણ પ્રયત્નોની દિશામાં સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
2024 દરમિયાન કુલ 165 સિંહોના મોત નીપજ્યા
મૃત્યુઆંક અંગે સરકારે જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન કુલ 165 સિંહોના મોત નીપજ્યા હતા. જેમાંથી 126 મોત કુદરતી કારણોસર થયા હતા, જ્યારે 39 અકુદરતી કારણોસર નોંધાયા હતા.
2025માં સિંહોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો
વર્ષ 2025માં સિંહોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે કુલ 148 સિંહોના મોત થયા, જેમાં 126 કુદરતી અને 22 અકુદરતી મૃત્યુ નોંધાયા હતા. અકુદરતી મૃત્યુમાં ઘટાડો થવો સંરક્ષણ કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
31 જાન્યુઆરી 2026 સુધી કુલ 9 સિંહોના મૃત્યુ નોંધાયા
ચાલુ વર્ષ દરમિયાન 31 જાન્યુઆરી 2026 સુધી કુલ 9 સિંહોના મૃત્યુ નોંધાયા છે. જેમાંથી 5 કુદરતી અને 3 અકુદરતી મોત થયા હોવાનું સરકારે ગૃહમાં જણાવ્યું. એક કેસની તપાસ ચાલુ હોવાનું પણ સંકેત આપવામાં આવ્યો.
સિંહ સંરક્ષણ માટે મોનિટરિંગ, ટ્રેકિંગ અને વેટરનરી સુવિધાઓમાં વધારો
સરકારે દાવો કર્યો કે સિંહ સંરક્ષણ માટે મોનિટરિંગ, ટ્રેકિંગ અને વેટરનરી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને રેસ્ક્યુ ટીમોને વધુ સજ્જ બનાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે સતત પ્રયાસો ચાલુ હોવાનો વિશ્વાસ ગૃહમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો..
આ પણ વાંચો----- Vadodara: સાવલીના મંજૂસર GIDCમાં કંપનીમાં ભીષણ આગ, વિકરાળ જ્વાળાઓને કારણે વિસ્તારમાં ભયનો માહોલ