વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંજૂસર ચોકડી પાસે આવેલી આ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.

આગનું વિકરાળ સ્વરૂપ

મળતી માહિતી મુજબ, કંપનીના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થો કે કેમિકલને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસની અન્ય કંપનીઓ પર પણ જોખમ ઊભું થયું હતું, જેના પગલે તકેદારીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવાની ફરજ પડી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સાવલી, વડોદરા અને આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો:Surat: પીપલોદ ડુમસ રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત, ડિવાઈડરનું ઝાડ તોડી કાર પલટી મારી ગઈ