શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં ડુમસ રોડ પર આજે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે.
સુરતમાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત
મળતી માહિતી મુજબ, કારની ગતિ એટલી પ્રચંડ હતી કે ડિવાઈડરમાં રોપેલું મજબૂત ઝાડ પણ અથડામણને કારણે મૂળમાંથી ઉખડીને તૂટી ગયું હતું. ઝાડ સાથે અથડાયા બાદ કારે રોડ પર જ પલટી મારી દીધી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
એરબેગ્સે બચાવ્યા જીવ
કારમાં એક યુવક અને એક મહિલા સવાર હતા. કાર પલટી મારી જવાને કારણે મહિલાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી તેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે કારની એરબેગ્સ સમયસર ખુલી જવાને કારણે બંનેના જીવ બચી ગયા હતા.
ઉમરા પોલીસની કાર્યવાહી
અકસ્માતના પગલે ડુમસ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉમરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ક્રેન દ્વારા પલટી ગયેલી કારને સીધી કરી રોડ સાઈડ ખસેડી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. પોલીસ હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Surat: હોળી-ધૂળેટી પર્વ પર શ્રમિકોનો મહેરામણ ઉમટ્યો, ઉધના રેલ્વે સ્ટેશન પર વતન જવા માટે મુસાફરોનો ભારે ધસારો