રંગોના પર્વ હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેને પગલે રેલ્વે પ્રશાસન અને પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કારીગરોની વતન તરફ દોટ
સુરતના ડાઈંગ-પ્રિન્ટિંગ અને લુમ્સના કારખાનાઓમાં કામ કરતા લાખો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. હોળીનો તહેવાર તેમના માટે અત્યંત મહત્વનો હોવાથી, મોટી સંખ્યામાં કામદારો રજાઓ લઈને વતન જઈ રહ્યા છે. ઉધના અને સુરત સ્ટેશન પર સ્થિતિ એવી છે કે પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નથી.
પોલીસ અને રેલ્વે તંત્ર સજ્જ
મુસાફરોની ભારે ભીડને કારણે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રેલ્વે પોલીસ (GRP) અને RPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેશન પર ખાસ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને મુસાફરોને લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં ચઢાવવામાં આવી રહ્યા છે.
સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા
રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક 'હોળી સ્પેશિયલ' ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમ છતાં મુસાફરોનો પ્રવાહ એટલો મોટો છે કે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની રહી છે. અનેક મુસાફરો જનરલ કોચમાં પણ ભારે જહેમત બાદ વતન જવા નીકળી રહ્યા છે.
આ પણ વાંચો: Gandhinagar: પીએમ મોદી આવતીકાલે દેશના પ્રથમ અદ્યતન માઇક્રોન પ્લાન્ટનું કરશે લોકાર્પણ, CEO સંજય મેહરોત્રા ગુજરાતમાં