ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક માળખા અને શિક્ષકોના હિતમાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્રો અનુસાર, HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોની અગાઉની સેવાને સળંગ ગણવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મુખ્ય શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો માર્ગ મોકળો

સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષક તરીકે આપેલી અગાઉની સેવાને રજા અને પેન્શનના હેતુ માટે સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાંની સેવા ધરાવતા કેસોને પ્રાથમિકતા આપી જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા સંબંધિત ચકાસણીના આદેશો અપાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને દરેક કર્મચારીના અલગ કેસ તૈયાર કરવા અને નાણા વિભાગની ચેકલિસ્ટ મુજબ દસ્તાવેજો ચકાસવા સૂચના અપાઈ છે. પેન્શન સેલ દ્વારા સ્પોટ વેરિફિકેશન કર્યા બાદ આગામી ૩૦ દિવસમાં આ તમામ કામગીરી પૂર્ણ કરીને શિક્ષણ વિભાગને સિંગલ દરખાસ્ત મોકલવામાં આવશે.

હવે ચાલુ સત્રમાં નિવૃત્તિ નહીં થાય

મુખ્ય શિક્ષકો માટે અન્ય એક મોટા નિર્ણયોમાં હવે તેમને પણ સામાન્ય શિક્ષકોની જેમ 'સત્રાંત નિવૃત્તિ'નો લાભ મળશે. નાણા વિભાગની મંજૂરી બાદ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, હવે મુખ્ય શિક્ષકો ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન નિવૃત્ત નહીં થાય, પરંતુ તેમનું શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ જ તેમને નિવૃત્તિ આપવામાં આવશે. આ નિર્ણયથી શાળાઓના વહીવટી સંચાલનમાં સરળતા રહેશે.

રાજ્યમાં નવી ૯૫ શાળાઓને મંજૂરી

આ ઉપરાંત, રાજ્યમાં શિક્ષણના વ્યાપને વધારવા માટે નવી ૯૫ શાળાઓને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ અંતર્ગત આ શાળાઓ માટે ₹૪.૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બિન-આદિજાતિ વિસ્તારમાં ૮૫ શાળાઓ (૩૪૫ સ્ટાફની મંજૂરી) અને આદિજાતિ વિસ્તારમાં ૧૦ નવી શાળાઓ (૪૦ સ્ટાફની મંજૂરી) શરૂ કરાશે. આ શાળાઓના સંચાલન માટે વહીવટી સ્ટાફની નવી જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video