ગુજરાત સરકાર ભલે રાજ્યના ખૂણે-ખૂણા સુધી 'નળ સે જળ' યોજના અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના તમામ દાવાઓની પોલ ખોલતી કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે.

ગામને ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે

કપરાડા તાલુકાનું મોટી પલસાણ ગામ, જેને ચોમાસામાં પડતા ભારે વરસાદને કારણે 'ગુજરાતનું ચેરાપુંજી' કહેવામાં આવે છે, તે જ ગામના લોકો આજે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. અહીંના બેરસ્તા ફળિયાની મહિલાઓ દરરોજ પોતાની તરસ છિપાવવા માટે મોતના મોંમાં મુસાફરી કરવા મજબૂર બની છે.

45 ફૂટ ઊંડા કૂવામાં જોખમી મુસાફરી

આશરે 1200 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કહેવા માટે તો 8 જેટલા સરકારી કૂવાઓ છે, પરંતુ ઉનાળો બેસતાની સાથે જ આ તમામ કૂવાઓ તળિયાઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી સુકાઈ જતાં હવે મહિલાઓ લોખંડની સીડીઓ અને દોરડા બાંધીને 45 ફૂટ ઊંડા કૂવાની અંદર ઉતરે છે. જે કૂવામાં સીડી નથી, ત્યાં મહિલાઓ અને પુરુષો કૂવાની પથરાળ દીવાલો પરથી લોખંડના સળિયા પકડીને જીવના જોખમે છેક નીચે કોતરો સુધી પહોંચે છે. કૂવાની પથરાળ કોતરોમાં રાતભરમાં જે થોડું-ઘણું પાણી ઝમીને એકઠું થાય છે, તેને વાસણોમાં ભરીને ઉપર લાવવામાં આવે છે. આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ લપસી જતાં તેઓ કૂવામાં ખાબકી છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકી છે, છતાં તંત્ર આજ દિન સુધી નિંદ્રાધીન હતું.

https://twitter.com/sandeshnews/status/2057120392989569377 


એક બેડા પાણી માટે કલાકોની રાહ

મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ મોટું યુદ્ધ જીતવા બરાબર છે. કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે એક પરિવારને માત્ર 1 થી 2 બેડાં પાણી ભરવા માટે કૂવા કાંઠે કાળઝાળ તડકામાં 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. ગામની આદિવાસી મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ તડકામાં બેસી રહે છે. શિયાળો પૂરો થતાં જ શરૂ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે.

586 કરોડની યોજના માત્ર કાગળ પર?

આ સળગતી સમસ્યા વચ્ચે સૌથી મોટો સવાલ વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કપરાડા અને ધરમપુરના પહાડી વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી 'એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના' તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 586 કરોડના માતબર ખર્ચે બનેલી આ યોજના અંતર્ગત મોટી પલસાણ ગામમાં ઘરે-ઘરે નળ તો ફીટ કરી દેવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી આવ્યા પહેલા જ આ નળ અને કરોડોની પાઇપલાઇનો કટાઈને સડી ગઈ છે.

સંદેશ ન્યૂઝના અહેવાલની મોટી અસર: તંત્ર એક્શનમાં

કરોડો ગેલન પાણી જ્યાં ચોમાસામાં વહી જાય છે તેવા આ વિસ્તારમાં ઉનાળામાં પ્રજા પાણી માટે વલખાં મારતી જોઈને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા અને કંટાળેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આખરે 'સંદેશ ન્યૂઝ'ના ગ્રાઉન્ડ રિપોર્ટની મોટી અસર જોવા મળી છે. વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે લો-પ્રેશર અને ટેકનિકલ ખામીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટેકનિકલ ફોલ્ટ યુદ્ધના ધોરણે દૂર કરવા એન્જિનિયરોને કડક આદેશ આપ્યા છે.

ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ

 જ્યાં સુધી કાયમી લાઈન સદંતર ચાલુ ન થાય ત્યાં સુધી ગ્રામજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા આદેશ આપી દેવાયા છે અને ગામમાં પાણીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો-----      Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive