ગુજરાત સરકાર ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સંબંધિત મહત્વપૂર્ણ વિધેયક વિધાનસભામાં રજૂ કરવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ 24 અથવા 25 માર્ચે આ વિધેયક ગૃહમાં રજૂ થઈ શકે છે. આ અંગે કામકાજ સલાહકાર સમિતિ ની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સવારે UCC કમિટીની રિપોર્ટને મંજૂરી

માહિતી અનુસાર આજે સવારે UCC કમિટીની રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ સ્વીકાર્યા બાદ ગણતરીના કલાકોમાં જ વિધેયક લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે. અહેવાલમાં ગુજરાતના ભૌગોલિક વારસા અને સાંસ્કૃતિક વિવિધતાને વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી છે.

લગ્ન અને છુટાછેડા અંગેની ભલામણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિધેયકમાં લગ્ન, છૂટાછેડા અને મહિલાઓના અધિકારો સંબંધિત મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. તેમાં તમામ ધર્મ માટે છૂટાછેડાની પ્રક્રિયા એકસરખી કરવાની વાત સમાવાઈ શકે છે. સાથે જ લગ્ન માટેની લઘુત્તમ વય મર્યાદા એકરૂપ બનાવવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં પુરુષ અને સ્ત્રી બંને માટે 21 વર્ષની ઉંમર નક્કી થઈ શકે છે.

એકથી વધુ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની ભલામણ

અહેવાલમાં એકથી વધુ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની ભલામણ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુમાં, લિવ-ઇન રિલેશનશિપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની જોગવાઈ પણ ઉમેરાઈ શકે છે.

આદિવાસી સમુદાયના પરંપરાગત રિવાજો

સાથે જ આદિવાસી સમુદાયના પરંપરાગત રિવાજો અને અધિકારોને ધ્યાનમાં રાખીને તેમને આ કાયદામાંથી મુક્તિ અથવા વિશેષ રક્ષણ આપવાની શક્યતા દર્શાવવામાં આવી છે.


આ પણ વાંચો---    Panchmahal : વન્યજીવોના શિકારના ઈરાદે નીકળેલી ગોધરાની ટોળકી હથિયારો સાથે ઝડપાઇ