ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દવાના માફિયાઓ વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ લાલ આંખ કરી છે. ગાંધીનગરથી મળેલી સૂચના બાદ અમદાવાદ, વડોદરા અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ₹1.21 કરોડની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.
કોડીન સિરપનો 76.51 લાખનો જથ્થો પ્રોહિબિટ
તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારો ખુલાસો નશાકારક 'કોડીન સિરપ' (Codeine Syrup) ને લઈને થયો છે. દરોડા દરમિયાન ₹76.51 લાખની કિંમતની કોડીન સિરપની બોટલો મળી આવી હતી, જેનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો છે. આ સિરપનો ઉપયોગ દવાની આડમાં નશા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ફેલાયેલા આ નેટવર્કમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે તપાસ તેજ કરવામાં આવી છે.
