ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને કરા સાથે વરસાદ લાવી શકે છે.

 પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં

અંબાલાલ પટેલની આગાહી મુજબ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.

ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે

સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.

11 મે બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થશે

જોકે, આ માવઠાની અસર લાંબો સમય નહીં રહે. હવામાન નિષ્ણાતનું કહેવું છે કે 11 મે બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થશે અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. એટલે કે, મે મહિનાના મધ્યમાં ગુજરાતવાસીઓએ ફરી આકરી ગરમીનો સામનો કરવો પડશે. પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં સર્જાતા દબાણ અને પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા