ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીસાથેની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' મુદ્દે ગુજરાત સરકારના વલણને સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ-અલગ રાજકીય મંડળો અને પ્રતિનિધિઓએ આ અંગે પોતાના મહત્વના અભિપ્રાયો આપ્યા છે અને આજે ગુજરાત સરકારે આ ઐતિહાસિક મુદ્દે પોતાનો સંપૂર્ણ સહયોગ જાહેર કર્યો છે.
નાગરિકોના હિતમાં નિર્ણય
હર્ષ સંઘવીએ ગુજરાત સરકારના એક સર્વેનો હવાલો આપતા જણાવ્યું કે, વારંવાર આવતી ચૂંટણીઓના કારણે આખી સરકારી ટીમ તેમાં વ્યસ્ત રહે છે, જેના લીધે અંદાજે 50 લાખ કલાકનો સમય વેડફાય છે અને સામાન્ય નાગરિકોના હિતના કામો અટકી પડે છે. ચૂંટણી આયોજનમાં જે સમય નીકળે છે તે બચે તે માટે એક સાથે ચૂંટણી થવી ખૂબ જ જરૂરી છે. અત્યારે એક વ્યક્તિએ 5 વર્ષમાં 2થી 3 વાર મતદાન કરવા જવું પડે છે, જે આ પદ્ધતિથી અટકશે. ગુજરાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે ઓછા દિવસોમાં પૂર્ણ કરીને દેશના તમામ રાજ્યોને એક નવી દિશા બતાવી છે.
