ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કરવા માટે જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક વખત 'લેટર બોમ્બ' ફેંકીને રાજ્યના વહીવટી તંત્ર અને સ્ક્રુટિની સિસ્ટમની પોલ ખોલી નાખી છે. આ વખતે યુવરાજસિંહે સરકારી ભરતીઓમાં ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રો ના આધારે નોકરીઓ પચાવી પાડવાનું એક મોટું આંતરિક કૌભાંડ ઉજાગર કર્યું છે. આ આક્ષેપની સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક જ પરિવારના બે સગા ભાઈઓએ સરકારી લાભો ખાતર અલગ-અલગ જાતિના સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરીઓ મેળવી લીધી છે.


યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે

યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે, સરસૈયા પરિવારના બે સગા ભાઈઓએ કાયદાની આંખમાં ધૂળ નાખી છે. જેમાં મોટો ભાઈ હરેશ સરસૈયા ઓબીસી (OBC) પ્રમાણપત્રના આધારે હાલ મોરબી જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છે. જ્યારે તેનો જ સગો નાનો ભાઈ નવઘણ સરસૈયા એસસી (SC) એટલે કે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ કરીને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મેળવવામાં સફળ રહ્યો છે. લોહીના સગા બે ભાઈઓની જ્ઞાતિ સરકારી ચોપડે અલગ-અલગ કેવી રીતે હોઈ શકે તે મોટો સવાલ છે. 


નવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ

આટલું જ નહીં, નાના ભાઈ નવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ થયો છે. તે અગાઉ વર્ષ ૨૦૨૧માં વાંકાનેર ખાતે આવેલી અરણી ટીંબા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. આ ચૂંટણીમાં તેણે વળી ત્રીજી જ જ્ઞાતિ એટલે કે એસટી (ST - અનુસૂચિત જનજાતિ) નું સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો દાવો કરાયો છે. એક જ વ્યક્તિ નોકરી માટે SC અને ચૂંટણી માટે ST બને તે બાબતે હવે ચૂંટણી પંચની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. યુવરાજસિંહે સરકારી ભરતીઓની નબળી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ પર પ્રહારો કરી આ મામલે તટસ્થ તપાસ કરી બંને ભાઈઓ સામે કડક ફોજદારી પગલાં લેવાની માગ કરી છે.


આ પણ વાંચો---     Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા

  • Follow us on: