"બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ" – આ માત્ર એક ધમકી નહોતી, પણ આર્થિક સંકડામણમાં ફસાયેલા એક નિર્દોષ યુવાન માટે તેના જીવનનો અંત લાવવાનો મજબૂર કરી દેતો આદેશ હતો. જ્યારે માનવતા મરી પરવારે અને વ્યાજના લોભમાં અંધ બનેલા તત્વો ચપ્પુની અણીએ વસૂલાત કરવા નીકળે, ત્યારે સામાન્ય માણસ આત્મહત્યાના આરે આવીને ઊભો રહી જાય છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું, પરંતુ ગુજરાત પોલીસની સમયસૂચકતા અને કડક કાર્યવાહીએ આવા અનેક નિર્દોષોને બચાવી લીધા છે.
વ્યાજખોરો સામે કુલ 110 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા
રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની સૂચનાથી 15 માર્ચથી 14 એપ્રિલ સુધી એક મહિનાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાં વ્યાજખોરો સામે કુલ 110 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 136 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આયુષનો ચોંકાવનારો કિસ્સો
આર્થિક તંગીથી ઘેરાયેલા સુરતના આયુષે જૂન-૨૦૨૫માં પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી 10% વ્યાજે રૂ. 20 હજાર લીધા હતા. વ્યાજખોરે રૂ. 2 હજાર એડવાન્સ કાપી, કોરો ચેક પડાવીને આયુષનું શોષણ શરૂ કર્યું. જ્યારે આયુષે સમય માંગ્યો ત્યારે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે તેને રસ્તામાં રોકી, ગાળાગાળી કરી અને પૈસા નહીં આપે તો ચપ્પાથી પતાવી દઈશ તેવી ધમકી આપી. સુરતની ચોકબજાર પોલીસે આ મામલે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં, આ બંને વ્યાજખોરો સમાજ માટે ખતરો ન બને તે માટે તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
લોક દરબાર પણ યોજાય છે
ગુજરાત પોલીસ માત્ર ગુના નોંધીને અટકી નથી રહી, પરંતુ લોક દરબાર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. લોકોને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા બચાવવા માટે સરકારી લોન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો---- Aravalli : શિક્ષણના ધામમાં 'નશાખોર' ગુરુજી, મોડાસાની શાળામાં દારૂ ઢીંચીને આવેલા શિક્ષકનો વીડિયો વાયરલ