સામાન્ય રીતે પોલીસને જોઈને ચોર ભાગતા હોય છે, પરંતુ ગાંધીનગરમાં એક અત્યંત ચોંકાવનારી અને અજીબ કહી શકાય તેવી ઘટના બની છે. કુડાસણ વિસ્તારમાં ચોરોએ પોલીસની ઓળખ ધરાવતી ગાડીનો ઉપયોગ કરીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફાળ પડી છે અને પોલીસ તંત્ર પણ હચમચી ગયું છે.
શ્યામા પ્રસાદ ફ્લેટમાં રાત્રિના સમયે ત્રાટક્યા ચોર
બનાવની વિગત મુજબ, કુડાસણ સ્થિત શ્યામા પ્રસાદ ફ્લેટમાં રાત્રિના સમયે પોલીસનું લખાણ ધરાવતી એક ગાડી પ્રવેશી હતી. ફ્લેટના સિક્યોરિટી અને રહીશોને લાગ્યું કે પોલીસ પેટ્રોલિંગમાં આવી હશે, જેથી કોઈએ શંકા ન કરી. જોકે, આ ગાડીમાં સવાર શખ્સો ખરેખર પોલીસ નહીં પણ તસ્કરો હતા. આ ચોરોએ પાર્કિંગમાં રહેલી મોંઘીદાટ ગાડીઓની વ્હિલ પ્લેટ ટાર્ગેટ કરી હતી અને ગણતરીની મિનિટોમાં ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.













